એકબાજુ ૧૨ લાખ રોહીંગ્યા મુસ્લીમ નાગરિકત્વ મેળવવાની આશા રાખીને બેઠા છે તો બીજી તરફ પરાણે સત્તા છોડી રહેલું લશ્કર પણ ટાંપીને બેઠું છે
મ્યાનમારમાં વારંવાર પડી ભાંગેલી લોકશાહી ફરી બેઠી થઇ રહી છે. ૨૧ વર્ષ સુધી નજરકેદ રહેલી ઓન્ગ સાન સુ કીનો રાજકીય પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રસી ૨૫ વર્ષ પછી વળી પાછો વિજેતા બન્યો છે અને લશ્કરીશાસન બાદ લશ્કર સમર્થિત પક્ષને પણ મતદારોએ ગેટઆઉટ કહી દીધું છે. દાયકાઓના સંઘર્ષ પછી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મહિલાના હાથમાં રાજદંડ આવતા મ્યાનમાર હવે સૈન્યના દંશ ખાઇને પછડાવાને બદલે વિકાસની સીડી ચડશે એવી આશા વિશ્વ વિશ્લેષકોને જાગી છે.
સુકીના પિતા ઓંગ સાન આધુનિક મ્યાનમારના ઘડવૈયા ગણાય છે અને તેમણે રાષ્ટ્રને આઝાદ કરાવવામાં બહુ મોટી ભૂમિકા અદા કરી હતી. એ જ મ્યાનમારને ફરી એકવાર લોકતંત્રના પાટે ચડાવવાનું ગૌરવ સુ કીના લલાટે લખાયું છે. ૧૯૪૮માં અંગ્રેજી હકૂમતમાંથી આઝાદ થતા મ્યાનમારમાં પ્રજાતંત્રનો પ્રારંભ થયો હતો, પરંતુ ૧૯૬૨માં લશ્કરીતંત્ર પ્રજાશાહીને આખેઆખી ગળી ગયું. જનરલ ને વીને ૧૯૬૩થી ૧૯૮૮ સુધી મ્યાનમાર પર એકહથ્થુ રાજ કર્યું.
ગરીબીમાં જીવતા આ દેશમાં આમ આવામ ભૂખે મરી રહી હતી એવે કટાણે લશ્કરી અધિકારીઓ સસ્તા દરે વ્હીસ્કી તથા સિગારેટ ખરીદી તેને બ્લેક માર્કેટમાં વેચી ટેસ કરતા હતા. બીજીકોર નીચા દરજ્જાના સૈનિકો મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ધરાવતા જંગલોમાં બળવાખોરી ડામવા માટે ભૂખ્યા-તરસ્યા ઝઝૂમતા-તરફડતા-મરતા હતા.
લોકશાહી છિનવાયાની પીડા અને માર્શલ લોના અત્યાચારમાંથી જ મ્યાનમારમાં લોકશાહી તરફી આંદોલન શરૃ થયું અને જિનિંગ મિલમાં લાગતી આગની ઝડપથી ફેલાયું. બળવો ડામવા માટે મ્યાનમારની સેનાએ ત્રણ હજાર ચળવળકારોની હત્યા કરી.
ત્યાર પછી વૈશ્વિક દબાણ આવતા 'અમે લોકપ્રિય છીએ. અમે જીતી જશું.' એવા અહંકારમાં ચૂંટણી યોજી. ઓંગ સાન સુ કીની નેશનલ લીગ ફોર ડેમોક્રસી પણ આ ચૂંટણીમાં ઊભી હતી. લશ્કરનો વહેમ દોઢસો ડેસીબલના અવાજ સાથે તૂટયો. ૫૯ ટકા મત અને ૮૦ ટકા બેઠકો ઓંગ સાન સુ કીની એન.એલ.ડી.ને મળ્યા. અરે, સૈનિકોએ પણ સૈન્ય વિરુદ્ધ મતદાન કર્યું.
પગ નીચેથી જમીનની સાથોસાથ આકાશ પણ લસરી જતા ગોથુ ખાઇ ગયેલી આર્મીએ ફરી પાછી સત્તા ઝટી લીધી અને ઓંગ સાન સુ કીને નજરકેદ કરી લીધી. મ્યાનમાર સ્વતંત્ર થયા પછી સુ કી બ્રિટનના યુવાન સાથે પરણી સાસરે જતી રહી હતી અને ત્યાં એમને બે બાળકો પણ થયાં હતા. ૧૯૯૦ની ચૂંટણીમાં વિજય પછી તેની ધરપકડ માટે સૈન્યના સત્તાલાલસુઓને બહુ મોટુ ગ્રાઉન્ડ જોઇતું હતું. આથી તેમણે તેના વિદેશી વિવાહનો મુદ્દો પતંગ માફક ચગાવ્યો અને તેમાં આક્ષેપોનું ઉમેરણ કર્યું કે આ બાઇ કોમ્યુનિસ્ટ અને દગાબાજ છે. (સુ કીના પિતા ઓંગ સાન સામ્યવાદી હતા. જોકે સુ કી ન'તી. નથી.)
૧૯૯૦થી ૨૦૧૦ સુધી લગભગ પંદર વર્ષ સુ કીને એક ઘરમાં પૂરી રાખવામાં આવી. આ દરમિયાન સૈન્યના કિચડ-ઉછાળને લીધે તે બદનામ થવાને બદલે વિખ્યાત થઇ ગઇ અને માનવીય વલણને કારણે ૧૯૯૨માં તેને નોબેલ પીસ પ્રાઇઝથી પણ પોંખવામાં આવી. ૨૦૧૦ સુધીમાં મિલિટરીને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેમનું ગાડું ઝાઝુ નહીં ગબડે.
એટલે તેમણે સૌપ્રથમ તો સુ કીને છોડી મૂકી અને લોકતાંત્રિક રાજકીય પક્ષોના હાથમાં સત્તા સોંપવાની ઘોષણા કરી સામાન્ય ચૂંટણી યોજી. આ ચૂંટણી તટસ્થ ન હોવાનું જાહેર કરી સુ કીના રાજકીય પક્ષે બહિષ્કાર કર્યો. આર્મી સમર્થિત યુએસડીપી (યુનિયન સોલિડરિટી ડેવલોપમેન્ટ પાર્ટી) વિજેતા બની અને થેન સિન રાષ્ટ્રપ્રમુખ બન્યા.
સત્ર પૂરું થતા ૨૦૧૫માં વળી પાછી આવેલી ચૂંટણીમાં એનએલડીએ પણ ઝંપલાવ્યું અને ૬૬૪માંથી ૩૪૮ બેઠકો પર ફતેહ મેળવી. 'જેના હાથમાં તેના મ્હોંમાં' એવું સુ કી માટે નહીંં કહી શકાય. કારણ કે પડતા - આખડતા ૭૦ વર્ષની થયેલી સુ કીના હાથમાં જ્યારે બહુમત આવ્યો છે ત્યારે તે રાષ્ટ્રપતિ બની શકે તેમ નથી. અગાઉથી જ ભવિષ્ય ભાળી ગયેલી સૈન્ય સરકારે સુ કીને પ્રેસિડેન્ટ બનતી રોકવા બંધારણમાં એવો કાયદો ઉમેરી દીધો કે વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરનારી વ્યક્તિ રાષ્ટ્રપતિ નહીં બની શકે.
સુકીએ અબી હાલ બીબીસીમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે 'તે તેમના પક્ષમાંથી કોઇ નેતાની રાષ્ટ્રપ્રમુખ તરીકે નિયુક્તિ કરી તેમને શું કરવું - શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપશે.' અહીં બે શક્યતાઓ છે. એક તો એ કે તે સોનિયા ગાંધી અને મહાત્મા ગાંધીની જેમ સત્તા ગ્રહણ કર્યા વિના અબાધિત સત્તા ભોગવતી શખ્સીયત બની જાય. બીજી સંભાવના એવી છે કે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ તેની વાત સાંભળી ન સાંભળી કરી પોતાનું ધાર્યું કરે અને પક્ષમાંથી સુ કી સામે બંડ થાય. લશ્કર ફરી લોકતંત્ર પર તરાપ મારે એવીય શક્યતા ખરી, કિંતુ બહુ જ આછી-પાતળી...
અત્યારે લશ્કર સત્તામાં ન હોવા છતાં ય તેની પાસે મજબૂત સત્તા છે. સંવિધાન પ્રમાણે ઉપલા-નીચલા બંને ગૃહોમાં લશ્કરને ૨૫ ટકા બેઠક બાય ડીફોલ્ટ મળે છે. સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાનની વરણીનો અધિકાર પૂરેપૂરો લશ્કરના ખીસામાં છે. બંધારણમાં ફેરફાર કરવા માટે બંને સદનોમાં ૭૫ ટકા બહુમતીની જરૃર પડે, જે લશ્કરના ટેકા વિના અસંભવ છે.
ગરીબી બેકારી જેવા પ્રશ્નોની સાથોસાથ લાવાની જેમ સળગતો મુદ્દો એ છે કે બાર લાખ રોહીંગ્યા મુસ્લીમો પંદર પેઢીથી મ્યાનમારમાં રહેતા હોવા છતાં તેમનું નાગરીકત્વ નકારવામાં આવી રહ્યું છે. હિંસાને કારણે લાખો મુસ્લીમો હિજરત કરી ગયા છે. અને હજારો નિરાશ્રિતો ઉપર આભ નીચે દરિયો જેવી હાલતમાં બોટમાં જીવી રહ્યા છે.
ચૂંટણી પહેલા ચૂપ રહેલી માનવતાવાદી સુ કી તેમની સાથે ન્યાય કરે એવી આશા આ નિરાધારો રાખી રહ્યા છે. તો બીજી બાજુ સૈન્ય આ મુદ્દે ફરી પાછો ક્યાંક બળવો કરીને સત્તા ન ઉથલાવી દે એવો પણ ભય છે.
- કુલદીપ કારિયા
વૈશ્વિક હાઇલાઇટ્સ...
* અમેરિકામાં મિસિઝ બેટી યુ નામની વૃદ્ધાને એન્ગોરા જાતિના સૌથી લાંબા રૃછાવાળા સસલા ઉછેરવાનો શોખ છે. તેના ઘરે હાલ ૫૦ સસલા છે. વિશ્વમાં સૌથી લાંબા રૃછાવાળા સસલા ધરાવવા બદલ તેનું નામ ગિનેસ બુકમાં નોંધાયું હતું. તેની પાસે રહેલા સસલાના રૃછાની લંબાઇ ૧૪.૩૭ ઇંચ હતી.
* ઇલેરિયા મોલીનારી નામની ૩૭ વર્ષની સન્નારી મોનોફીન પહેરીને પાણીની અંદર અત્યંત ઊંડે તરવા માટે જગવિખ્યાત છે. ઇટાલીની હોટેલ મિલેપિનીમાં વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. તેની ઊંડાઇ ૧૩૮ ફુટ એટલે કે ૧૨ માળના બિલ્ડીંગ જેટલી છે. આ સ્વિમિંગ પૂલ સામાન્ય માણસો માટે નહીં પરંતુ સ્કૂબા ડાઇવિંગમાં રસ ધરાવતા સાહસિકો માટે છે. તાજેતરમાં ઇલેરિયાએ આ સ્વિમિંગ પૂલનું ઉદ્ધાટન કર્યું હતું.
* ફ્રાન્સમાં એનોનિમસ('એનોનિમસ' નાઉન છે. એટલે તેનું અજ્ઞાાત નહીં થાય.) નામના હેકર્સ ગુ્રપે યુટયુબ પર વિડિયો મૂકી આઇએસઆઇએસ સામે યુદ્ધની ઘોષણા કરી છે. તેમણે ધમકી આપી છે કે તેઓ આઇએસઆઇએસના આતંકવાદીઓ જ્યાં પણ હશે ત્યાં તેમને ખતમ કરી દેશે. સમાજમાં ચળવળ ચલાવતા લોકો જેમ એક્ટિવિસ્ટ તરીકે ઓળખાય છે તેમ ઇન્ટરનેટ પર શંકાસ્પદ વેબસાઇટ્સ હેક કરી ઝૂંબેશ ચલાવતા લોકો 'હેક્ટિવિસ્ટ' તરીકે સંબોંધાય છે.
* સ્પેનના એક ગામડાંમાં છેલ્લા ૪૦૦ વર્ષથી એક વિચિત્ર પ્રકારનો મહોત્સવ ઉજવા છે. જેનું નામ છે. 'તારો દી જ્યુબિલો' અર્થાત જોય ઓફ બુલ યાને કે આખલા મહોત્સવ... દર વર્ષની જેમ હમણા જ મેડિનાસેલી નામના ગામડાંમાં આ ઉત્સવ ઉજવાયો હતો. તેમાં એક આખલાને રીંગમાં લાવી તેના શિંગડા સળગાવવામાં આવે છે. આખલો દાઝી કે બળી ન જાય એ માટે તેના શરીર પર કીચડ લગાડવામાં આવે છે.
* ન્યુયોર્કમાં એક રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો હતો. દસ વર્ષનો એક છોકરો સિગારેટ લઇને રસ્તા પર નીકળી પડે છે અને જે પણ રસ્તામાં મળે તેને આ સિગારેટ સળગાવી આપવા વિનંતી કરે છે. આ સમયે મળતા પ્રતિભાવો સામાજિક મૂલ્યોની પારાશીશી છે. કેટલાક લોકો તેને ઠપકો આપે છે જ્યારે અમુક લોકો તેને સિગારેટ સળગાવી આપે છે. આખરે એ કેન્સરગ્રસ્ત વ્યક્તિ તેને ધુમ્રપાન ન કરવા સમજાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો