રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

ચીન - જપાન વચ્ચે ડખોઃ પાણી પર લીટી ક્યાં?

ડ્રેગન 'જેની લાઠી એનો દરિયો' એવો એટીટયુડ દેખાડી રહ્યું છેઃ જપાનને અંધારામાં રાખી ચીને 'ઇસ્ટ ચાઇના સી'માં ૧૬ ગેસ પ્લેટફોર્મ શરૃ કર્યા જેનો ઉપયોગ જતે દહાડે યુદ્ધ માટે થઇ શકેઃ સૈકા જૂના જળસીમા વિવાદના મોજા ઉછળ્યા


આ  દુનિયા એક દ્વંદ્વયુદ્ધ છે. ભારત-પાકિસ્તાન,ચીન - જપાન, અમેરિકા-રશિયા, ઉત્તર કોરિયા- દક્ષિણ કોરીયા, સુન્ની રાષ્ટ્રો-શિયા રાષ્ટ્રો આ બધા એકબીજા સાથે ગમે ત્યારે કોઇને કોઇ મુદ્દે બાખડતા જ રહે છે.
થોડા સમયથી પાણીમાં ગરક થઇ ગયેલો ચીન-જપાન વચ્ચેનો ઇસ્ટ ચાઇના સીનો વિવાદ ફરી ઇમારત જેવા ઊંચા મોજાની જેમ ઉછળા મારી રહ્યો છે. 'યે દુશ્મની હમ નહીં તોડેંગે' એવું ગીત ગાતા ચીન-જપાન વિશે વાત કરીએ ત્યારે 'યે સો સાલ પહેલે કી બાત હૈ' એવો બોલિવુડ સ્ટાઇલ તકીયા કલામ ઉચ્ચારીને ફ્લેશબેકમાં ઠેકડો મારવો પડે...
૧૮૯૫માં થયેલા યુદ્ધમાં જપાને ચીનને પરાસ્ત કરી દીધું હતું અને તાઇવાન પડાવી લીધું હતું. બાદમાં રશિયા અને બીજા રાષ્ટ્રોના દબાણથી આ પ્રદેશ પાછો આપવો પડયો. ઠેઠ ત્યારથી જપાન અને  ચીન વચ્ચે ઇસ્ટ ચાઇના સમુદ્રમાં જળસીમા વિખવાદ છે.
 બંને દેશો હજી સુધી આ દરિયા પર સરહદ ખેંચવા માટે સહમતી સાધી શક્યા નથી અને હાલ ભરતીના નીરની જેમ તનાવ ઘૂઘવી રહ્યો છે.
જપાન કેબિનેટના મુખ્ય સચિવ યોશિહિદે સુબાએ ૨૨મી જુલાઇએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પર્દાફાશ કર્યો કે ઇસ્ટ ચાઇના સમુદ્રમાં ચીન જુન ૨૦૧૩થી જપાનને સાથે રાખ્યા વિના ગેસ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે.
વાત વધુ મજબૂતીથી મૂકવા ફોટોગ્રાફ્સ સાથેના પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ પંથકમાં ચીનની લશ્કરી હીલચાલ પણ વધી રહી છે. તેના હેલિકોપ્ટર અને જહાજો અવાર-નવાર અહીં આંટાફેરા કરતા રહે છે. દક્ષિણ ચીન સમુદ્રમાં પાણી આઘુ ધકેલીને જમીન રીક્લેમ કરી છે એ રીતે પૂર્વ ચીન સમુદ્રમાં ૧૬ જગ્યાએ ગેસ પ્લેટફોર્મ ઊભા કર્યા છે.
સાઉથ ચાઇના અને ઇસ્ટ ચાઇના સમુદ્રની માલિકી મામલે બાપ-દાદાના વખતથી બેય રાષ્ટ્રો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.
 છેલ્લે ૨૦૦૮માં બંને દેશો વચ્ચે વાર્તાલાપમાં એવી સમજૂતી થઇ હતી કે ઇસ્ટ ચાઇનાના સાગરમાં બેઉ સાથે મળીને કુદરતી સ્ત્રોતો વિકસાવશે. કિંતુ ચીને અંચઇ કરીને એકલા-એકલા કામ શરૃ કરી દીધું.
જપાને દહેશત વ્યક્ત કરી છે કે આ ગેસ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં રડાર સ્થાપીને ચીન હેલિકોપ્ટર તથા ડ્રોન ઊડાવી શકે છે. લશ્કરી ઉપયોગ ખતરો કા ખિલાડી સાબિત થાય એમ હોવાથી જપાને ચુંબક બતાવી સમગ્ર જગતની નજર આ તરફ ખેંચી છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને નિર્જન ટાપુઓ પર યુદ્ધ જહાજો લાંગરી શકાય, હેલિકોપ્ટર લેન્ડ કરી શકાય એવી વ્યવસ્થાઓ ઊભી કરી જ છે. આથી ઇસ્ટ ચાઇના સીમાં પણ જતે દહાડે આવા પ્રકારની ગોઠવણ ન થાય એ માનવા તૈયાર ન હોય તો આંતરરાષ્ટ્રીય સમુદાયો ખાંડ ખાઇ રહ્યા છે.
૧૯૭૦માં યુએસ આ મુદ્દે જપાનની પડખે ઊભું રહ્યું હતું. પરંતુ અત્યારના હાલાત અલગ છે. તે સળગતા હાથમાં લેવા માગતું નથી. અમેરિકાનો ભય ન હોવાથી ચીન વધુને વધુ ઉધામા કરી રહ્યું છે. ગેસ પ્લેટફોર્મ ઇક્વિડિસ્ટન્સ રેખાથી ચીન તરફ હોવાથી વધુ કંઇ કહી શકાય એમ નથી એવો એક મત છે, પરંતુ જ્યારે જપાને તેની તરફના દરિાયમાં કોઇ પ્રવૃત્તિ કરી હોય ત્યારે ચીને પણ ગામ ગજવ્યું છે. યુનાગુમી ટાપુ પર હિલચાલ આરંભી એ વખતે પણ તે તરત જ ઊંચાનીચું થયું હતું. જપાનને એવીય બીક છે કે ચીન એના વિસ્તારમાં સારકામ કરીને જપાનના દરિયાનો તેલ અને ગેસ પણ ખેંચી શકે છે. થોડા સમય પહેલા ચાઇનીઝ મછવારાઓની બોટ જપાનના ઓગાસોઆટા ટાપુ પર જતી ચડી હતી. જેવી રીતે પાકિસ્તાની સૈનિકો લદ્દાખમાં ઘેરો ઘાલે છે એમ. બંને વચ્ચે ટાટીયાખેંચ થતી રહે છે.
અને પાકિસ્તાનની જેમ ચીન પણ અવળચંડાઇમાં અવ્વલ છે. તે તેના બધા જ પડોશીઓની જગ્યા દબાવવાના પેતરા કરતું રહે છે. ચીનની દબંગગીરીથી જપાનની જનતામાં પણ અશાંતી અને અસંતોષ જોવા મળી રહ્યાં છે.
જપાન માગણી કરી રહ્યું છે કે ચીન તાત્કાલીક આ સોળેસોળ ગેસ પ્લેટફોર્મ બંધ કરી દે, પરંતુ વિશ્વ રાજનીતિમાં પોતાને સારી રીતે સ્થાપી ચૂકેલા ચીને તેમ કરવાની ઘસીને ના કહી દીધી છે.
પ્રથમ સપ્ટેમ્બરે બીજા વિશ્વયુદ્ધના આરંભ અને બીજીએ સમાપનની સાલગીરહ છે. આ તકે જપાન ચીનનું વધુ નાક દબાવી તેને અટકાવવા પ્રયત્ન કરે એ અપેક્ષિત છે. આ ઉપરાંત અસિઅનમાં પણ ગુહાર લગાવી છે.
ગત ઓક્ટોબરમાં મલાબાર નેવલ એક્સરસાઇઝમાં આપણે જપાનને તેડાવ્યું હતું. મોદી જપાન ગયા ત્યારે તેમણે ચીનની વિસ્તારવાદી નીતિ વિરૃદ્ધ અબે સમક્ષ વાત છેડી હતી. ભારત-જપાન બંને ચીનની વિસ્તારવાદી સતામણીનો ભોગ બનેલા છે. એવામાં ઇન્ડીયા જપાનના પક્ષે જ હોય એમાં બે મત નથી.
૧૯૫૦-૬૦માં એશિયામાં જપાનના ઘણા શત્રુ હતા, પણ સાયન્સ અને ટેકનોલોજીની મદદથી રોકેટવેગે વિકાસ સાધીને તથા નરમ - સત્તા અખત્યાર કરીને તેણે ફિલિપાઇન્સ, વિયેતનામ અને બીજા દેશો સાથે ઘનિષ્ઠ મૈત્રી કેળળી લીધી. જ્યારે ચીન આજથી તારીખે પણ યુદ્ધખોર માનસનું જણાય છે. આથી વિશ્વએ આ વિશે વિચારવું જોઇએ.
કુલદીપ કારિયા

ચીનનો હુંકાર 'ડણક' ન બની શક્યો

આર્થિક-આંતરિક ફટકા ખાતું પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇના સૈનિકો ઘટાડી રહ્યું છે, પણ યુદ્ધક્ષમતા વધારી રહ્યું છે ઃ અમેરિકા-જપાન સામે ડરીને બાવડાં ફૂલાવ્યાં

ચેરમેન માઓ સાત વર્ષના હતા ત્યારની આ વાત છે. માઓની માતા વેન કિમેઇ અત્યંત બિમાર પડી ગઇ હતી. તે પથારીમાંથી ઊભી પણ થઇ શકે તેમ નહોતી. તેણે એક સુંદર બગીચો બનાવ્યો હતો. વેન રોજ આ બાગની જાતે સાર-સંભાળ લેતી હતી, પરંતુ પથારીવશ હોવાને લીધે તે એ સમયે તેની માવજત કરી શકતી નહોતી.
આથી તેને ખૂબજ ચિંતા થતી હતી. નાનકડા માઓએ માની પીડા જોઇને કહ્યું 'મા તું જરાય ચિંતા ન કર. તારા ઉદ્યાનની કાળજી હું લઇશ.' એક મહિના પછી વેન સાજી થઇ. જ્યારે તે બાગમાં ગઇ તો ચીસ પાડી ઉઠી. તેણે જોયું કે બધા જ છોડ કરમાઇ ગયા હતા. બાગ સાવ સૂકાઇ ગયો હતો. નાનકડા માઓને તેણે ખૂબ ઠપકો આપ્યો. 'તું તો કહેતો હતો કે હું કાળજી લઇશ. તંે આ શુ કર્યું?'
માઓ રડવા લગ્યો. રોતા રોતા કહ્યું 'ખબર નહીં કેમ આ છોડ કરમાઇ ગયા. હું તો એક-એક પાંદડાંની કાળજી લેતો હતો. દરેક પાંદડું મારી જાતે મસોતાથી સાફ કરતો હતો. તેના પર પાણીનો છંટકાવ કરતો હતો.'
માઓની વાત સાંભળીને વેન હસી પડી અને વહાલથી તેને બાથમાં લેતા બોલી 'માઓ, તું બિલકુલ પાગલ છે. છોડના પ્રાણ તેના પાંદડાંમાં નહીં, પરંતુ મૂળમાં હોય છે. પાંદડાં પર પાણી છાંટવાથી છોડ ક્યારેય જીવીત નથી રહેતા. જો તેમનું જતન કરવું હોય, તેમને ખીલવવા હોય તો તેના મૂળમાં પાણી રેડવું પડે.'
ચીનના રાષ્ટ્રપતિ માઓત્સે તુંગે આ પ્રસંગ તેમની આત્મકથામાં ટાંક્યો છે. જો કે ચીનના શાસકો આ કથામાંથી જરાય બોધપાઠ લઇ શક્યા નથી. મૂળિયાને પાણી પીવડાવવાને બદલે તેઓ પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાને બહારથી મજબૂત બનાવી રહ્યા છે.
તેમને વિકાસના પ્રભાવક આંકડા જોઇએ છે. આ માટે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું જ અપનાવી ખોટા ચિત્રો દોરાવ્યા. જેનો કાન-ફાડ અવાજ થોડા દિવસો પહેલા શેરબજારની ઉંધેકાંધ પછડાટમાં સંભળાયો.
બિજિંગના તિયાનમેન ચોકમાં સૈન્યશક્તિનો દેખાડો કરવા માટે ચીન ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યું હતું. આ માટે આસપાસ માઇલો સુધી ઓફિસો બંધ કરાવી દેવાઇ હતી, કારખાનાને તાળાં મારી દેવા ફરજ પડાઇ હતી. વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. ચીનની વિખ્યાત સોશ્યલ સાઇટ વેઇબો પર જ્યારે લોકો વિરોધ વ્યક્ત કરવા લાગ્યા તો તેમના અકાઉન્ટ ડીલીટ કરી નાખવામાં આવ્યા.
રીમોટ કંટ્રોલનું મ્યુટ બટન દાબીને ચીનની સામ્યવાદી સરકારે જનતાને મૂંગી કરી દીધી છે. તેનો પડઘો પણ આજે નહીં તો કાલે પડશે જ. ચીનમાં મિડિયા, વિપક્ષ અને એલિયન આ ત્રણેય કાલ્પનિકપાત્રો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ મોઢામાં મૂકેલા શબ્દો જ લખતા-બોલતા છાપા-ચેનલોને મિડિયા કઇ રીતે કહી શકાય?
૨૬ વર્ષ પહેલા ચીનમાં લોકશાહીની માગણી કરતા હજારો યુવાનોને તીયાનમેન સ્કવેર ખાતે ઠાર કરી નાખવામાં આવ્યા હતા. ત્રીજી સપ્ટેમ્બરે ચીનના સૈનિકો આ યુવાઓની કબર પર કદમકૂચ કરી રહ્યા હોય એવું લાગતું હતું. સૈનિકોની પરેડ યોજીને શક્તિપ્રદર્શન કરવાની ફેશન પશ્ચિમમાંથી કેદુની નામશેષ થઇ ગઇ છે. કિંતુ એશિયામાં હજી યથાતથ છે. જપાનના વડા પ્રધાન શિન્ઝો અબે જપાનના શાંતિવાદી બંધારણમાં ફેરફાર કરીને સૈન્યશક્તિ વધારવા કવાયત કરી રહ્યા છે. જેની ચીનને અત્યારથી ફડક છે. અમેરિકા પણ જપાન-ભારત સાથે રક્ષા-સંબંધ વધારી રહ્યું છે. એશિયા પેસિફિકમાં અમેરિકાનો સૈન્ય પ્રભાવ વધી રહ્યો હોવાથી જીન પિંગે પુતિનને બગલમાં ઊભા રાખીને હુંકાર કર્યો છે.
આ હુંકારને ડણક કહી શકાય તેમ નથી. ૨૩ લાખની સૈન્યશક્તિમાંથી ત્રણ લાખ  સૈનિકોનો લીરો કાપી નાખવાની જીન પિંગની જાહેરાત તેમણે અમેરિકા-જપાન સામે ફુલાવેલા બાવડાં ઢાકવામાં વિફળ નિવડી છે. ૧૯૭૯માં વિયેતનામ યુદ્ધ પછી ચીન ભૂમિ પર કોઇ દેશ સામે જંગ લડયું નથી. અને હવે યુદ્ધનું સ્વરૃપ બદલાઇ ગયું છે. જમાનો સાઇબર અને સ્પેસ વોરનો છે, જેમાં ચીન અમેરિકાની લગભગ લગોલગ ઊભી શકે એમ છે. તે સૈનિકોની સંખ્યા ઘટાડી રહ્યું છે, પણ સૈન્યશક્તિ વધારી રહ્યું છે. આથી હરખાવા જેવું નથી. ગુડ ન્યૂઝ એ છે કે આર્થિક અને આંતરિક ક્ષેત્રે નબળું પડી રહ્યું હોવાથી આજે નહીં તો કાલે તેની યુદ્ધક્ષમતાને માર પડવાનો છે.
અચરજ પમાડે તેવા વિનાશક શસ્ત્રો અને મિસાઇલો ચીને કોઇપણ વિદેશી મદદ વિના ઘરઆંગણે તૈયાર કર્યા તે ભારત માટે અનુકરણીય છે.
તાઇવાન, હોંગકોંગ અને તિબેટ ચીનથી આઝાદ થવા માગે છે. ચીન તેમનું ગળું પણ રુંધતું આવ્યું છે. જ્યારે સ્પ્રિંગ ઉછળશે ત્યારે આ શસ્ત્રોની ઉપયોગ તેના દેશની અંદર નહીં કરી શકે એ તેનું સૌથી મોટું દુર્ભાગ્ય છે.
ઇસ પૂર્વે ૫૪૪થી ૪૯૬ દરમિયાન ચીનમાં થઇ ગયેલા નીતિકાર સુન ત્ઝુએ યુદ્ધકલા અને સૈન્ય વ્યૂહ વિશે સૌપ્રથમ પુસ્તક લખ્યું હતું. તેમણે આ કિતાબમાં લખ્યું હતું 'જ્યારે નબળા હો ત્યારે શક્તિશાળી દેખાઓ અને શક્તિશાળી હોવ ત્યારે નબળા...' આ સૂત્રનો પૂર્વાર્ધ  ચીનના પ્રવર્તમાન શાસનનો મુદ્રાલેખ બની ગયો છે.
કુલદીપ કારિયા

વૈશ્વિક હાઈલાઈટ્સ...
- પ્રેમની અભિવ્યક્તિમાં હૃદયનું ખાસ મહત્ત્વ હોય છે અને દિલ સદાબહાર જવાન રહેતું હોવાનું કવિઓ તેમની કવિતા લખે છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ ઉલટી છે. અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે માણસના શરીર કરતા હૃદયની ઉંમર ઝડપથી વધે છે. હૃદય પંદર વર્ષ વહેલું ઘરડું થઇ જાય છે. દિલ તો બચ્ચેં હૈ જી કહેવાનું હવે બંધ કરી દેવું જોઇએ.
- બ્રિટનના ૪૦મા શાસક એલિઝાબેથ-૨ નવમી સપ્ટેમ્બરે બ્રિટનમાં સૌથી વધુ શાસન કરનારા સામ્રાજ્ઞાી બન્યા છે. ક્વિન એલિઝાબેથ બીજાના પિતા કિંગ જ્યોર્જ પાંચમાનું મૃત્યુ થતા ૬ ફેબુ્રઆરી ૧૯૫૨ના રોજ તેમણે શાસન સંભાળ્યું હતું. ૯મી સપ્ટેમ્બરે તેમના શાસનને ૬૩ વર્ષ અને સાત મહિના પૂરા થશે. બ્રિટનની લોકશાહીનું આ એક અદ્ભૂત રાજકીય સૌંદર્ય છે.
- લંડનથી વિશ્વની સૌથી મોટી એટલે કે ૪૦,૦૦૦ નોટીકલ માઇલ લાંબી યોટ રેસનો પ્રારંભ થયો છે. તેમાં ૧૨ યોટ પર ૭૦૦ સ્પર્ધકો સવાર થયા છે. આખી પૃથ્વીને ચક્કર લગાવી અંદાજે જુલાઇ ૨૦૧૬ સુધીમાં હોડીઓ ફરી લંડન પહોંચશે. સ્પર્ધામાં મોટાભાગના ખલાસીઓ શિખાઉ સાગરખેડું છે. જોકે સાહસ એ સૌથી મોટી લાયકાત છે.
-સ્થળ ત્યાં જળ એવું તો ઘણી વખત સાંભળ્યું છે, પરંતુ અમેરિકાના એક ફોટોગ્રાફરે સ્થળ ત્યાં વૃક્ષની ભ્રાન્તિ કરાવી હતી. કેલિફોર્નિયાના મોઝાવ રણમાં સૂકાઇ ગયેલા સરોવરનો પટ ફોટોગ્રાફર જેસન ડોટોરોવે વિમાનમાં ૩૦,૦૦૦ ફુટની ઊંચાઇ પરથી કેમેરામાં કેદ કરી લીધો હતો. આ તસવીર અમેરિકાની ફોટોગ્રાફી સ્પર્ધામાં બીજા નંબર પર આવી હતી.
- ચીનના તાઇવાન પ્રાન્તમાં યુવક-યુવતીઓ કપડાંને બદલે પ્લાસ્ટિકની બેગ પહેરીને સેલ્ફી ક્લિક કરી સોશિયલ મિડિયામાં મૂકી રહ્યા છે. સાંભળવામાં આ થોડું વિચિત્ર લાગશે. જોવામાં પણ એટલું જ ઉટપટાંગ છે, પરંતુ આ ટ્રેન્ડ ઊભો થવા પાછળનું એવુ ંકોઇ નક્કર કારણ નથી. મોલ કલ્ચર ફૂલ્યુ-ફાલ્યુ છે એવા જુગમાં તાઇવાનના જુવાનિયાઓ ૭-ઇલેવન સ્ટોરની મોટી પ્લાસ્ટીક બેગ પહેરીને બિંદાસ્ત ફોટોગ્રાફ્સ પડાવે છે. યા જાતે ક્લિક કરે છે. જરા અસભ્ય ગણાતી આ ફેશન આજકાલ ખલબલી મચાવી રહી છે.