સોમવાર, 7 ડિસેમ્બર, 2015

સુકી મ્યાનમારને સુખી કરશે ?


એકબાજુ ૧૨ લાખ રોહીંગ્યા મુસ્લીમ નાગરિકત્વ મેળવવાની આશા રાખીને બેઠા છે તો બીજી તરફ પરાણે સત્તા છોડી રહેલું લશ્કર પણ ટાંપીને બેઠું છે

મ્યાનમારમાં વારંવાર પડી ભાંગેલી લોકશાહી ફરી બેઠી થઇ રહી છે. ૨૧ વર્ષ સુધી નજરકેદ રહેલી ઓન્ગ સાન સુ કીનો રાજકીય પક્ષ નેશનલ લીગ ફોર ડેમોક્રસી ૨૫ વર્ષ પછી વળી પાછો વિજેતા બન્યો છે અને લશ્કરીશાસન બાદ લશ્કર સમર્થિત પક્ષને પણ મતદારોએ ગેટઆઉટ કહી દીધું છે. દાયકાઓના સંઘર્ષ પછી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મહિલાના હાથમાં રાજદંડ આવતા મ્યાનમાર હવે સૈન્યના દંશ ખાઇને પછડાવાને બદલે વિકાસની સીડી ચડશે એવી આશા વિશ્વ વિશ્લેષકોને જાગી છે.
સુકીના પિતા ઓંગ સાન આધુનિક મ્યાનમારના ઘડવૈયા ગણાય છે અને તેમણે રાષ્ટ્રને આઝાદ કરાવવામાં બહુ મોટી ભૂમિકા અદા કરી હતી. એ જ મ્યાનમારને ફરી એકવાર લોકતંત્રના પાટે ચડાવવાનું ગૌરવ સુ કીના લલાટે લખાયું છે. ૧૯૪૮માં અંગ્રેજી હકૂમતમાંથી આઝાદ થતા મ્યાનમારમાં પ્રજાતંત્રનો પ્રારંભ થયો હતો, પરંતુ ૧૯૬૨માં લશ્કરીતંત્ર પ્રજાશાહીને આખેઆખી ગળી ગયું. જનરલ ને વીને ૧૯૬૩થી ૧૯૮૮ સુધી મ્યાનમાર પર એકહથ્થુ રાજ કર્યું.
ગરીબીમાં જીવતા આ દેશમાં આમ આવામ ભૂખે મરી રહી હતી એવે કટાણે લશ્કરી અધિકારીઓ સસ્તા દરે વ્હીસ્કી તથા સિગારેટ ખરીદી તેને બ્લેક માર્કેટમાં વેચી ટેસ કરતા હતા. બીજીકોર નીચા દરજ્જાના સૈનિકો મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ધરાવતા જંગલોમાં બળવાખોરી ડામવા માટે ભૂખ્યા-તરસ્યા ઝઝૂમતા-તરફડતા-મરતા હતા.
લોકશાહી છિનવાયાની પીડા અને માર્શલ લોના અત્યાચારમાંથી જ મ્યાનમારમાં લોકશાહી તરફી આંદોલન શરૃ થયું અને જિનિંગ મિલમાં લાગતી આગની ઝડપથી ફેલાયું. બળવો ડામવા માટે મ્યાનમારની સેનાએ ત્રણ હજાર ચળવળકારોની હત્યા કરી.
ત્યાર પછી વૈશ્વિક દબાણ આવતા 'અમે લોકપ્રિય છીએ. અમે જીતી જશું.' એવા અહંકારમાં ચૂંટણી યોજી. ઓંગ સાન સુ કીની નેશનલ લીગ ફોર ડેમોક્રસી પણ આ ચૂંટણીમાં ઊભી હતી. લશ્કરનો વહેમ દોઢસો ડેસીબલના અવાજ સાથે તૂટયો. ૫૯ ટકા મત અને ૮૦ ટકા બેઠકો ઓંગ સાન સુ કીની એન.એલ.ડી.ને મળ્યા. અરે, સૈનિકોએ પણ સૈન્ય વિરુદ્ધ મતદાન કર્યું.
પગ નીચેથી જમીનની સાથોસાથ આકાશ પણ લસરી જતા ગોથુ ખાઇ ગયેલી આર્મીએ ફરી પાછી સત્તા ઝટી લીધી અને ઓંગ સાન સુ કીને નજરકેદ કરી લીધી. મ્યાનમાર સ્વતંત્ર થયા પછી સુ કી બ્રિટનના યુવાન સાથે પરણી સાસરે જતી રહી હતી અને ત્યાં એમને બે બાળકો પણ થયાં હતા. ૧૯૯૦ની ચૂંટણીમાં વિજય પછી તેની ધરપકડ માટે સૈન્યના સત્તાલાલસુઓને બહુ મોટુ ગ્રાઉન્ડ જોઇતું હતું. આથી તેમણે તેના વિદેશી વિવાહનો મુદ્દો પતંગ માફક ચગાવ્યો અને તેમાં આક્ષેપોનું ઉમેરણ કર્યું કે આ બાઇ કોમ્યુનિસ્ટ અને દગાબાજ છે. (સુ કીના પિતા ઓંગ સાન સામ્યવાદી હતા. જોકે સુ કી ન'તી. નથી.)
૧૯૯૦થી ૨૦૧૦ સુધી લગભગ પંદર વર્ષ સુ કીને એક ઘરમાં પૂરી રાખવામાં આવી. આ દરમિયાન સૈન્યના કિચડ-ઉછાળને લીધે તે બદનામ થવાને બદલે વિખ્યાત થઇ ગઇ અને માનવીય વલણને કારણે ૧૯૯૨માં તેને નોબેલ પીસ પ્રાઇઝથી પણ પોંખવામાં આવી. ૨૦૧૦ સુધીમાં મિલિટરીને ખ્યાલ આવી ગયો હતો કે હવે તેમનું ગાડું ઝાઝુ નહીં ગબડે.
એટલે તેમણે સૌપ્રથમ તો સુ કીને છોડી મૂકી અને લોકતાંત્રિક રાજકીય પક્ષોના હાથમાં સત્તા સોંપવાની ઘોષણા કરી સામાન્ય ચૂંટણી યોજી. આ ચૂંટણી તટસ્થ ન હોવાનું જાહેર કરી સુ કીના રાજકીય પક્ષે બહિષ્કાર કર્યો. આર્મી સમર્થિત યુએસડીપી (યુનિયન સોલિડરિટી ડેવલોપમેન્ટ પાર્ટી) વિજેતા બની અને થેન સિન રાષ્ટ્રપ્રમુખ બન્યા.
સત્ર પૂરું થતા ૨૦૧૫માં વળી પાછી આવેલી ચૂંટણીમાં એનએલડીએ પણ ઝંપલાવ્યું અને ૬૬૪માંથી ૩૪૮ બેઠકો પર ફતેહ મેળવી. 'જેના હાથમાં તેના મ્હોંમાં' એવું સુ કી માટે નહીંં કહી શકાય. કારણ કે પડતા - આખડતા ૭૦ વર્ષની થયેલી સુ કીના હાથમાં જ્યારે બહુમત આવ્યો છે ત્યારે તે રાષ્ટ્રપતિ બની શકે તેમ નથી. અગાઉથી જ ભવિષ્ય ભાળી ગયેલી સૈન્ય સરકારે સુ કીને પ્રેસિડેન્ટ બનતી રોકવા બંધારણમાં એવો કાયદો ઉમેરી દીધો કે વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરનારી વ્યક્તિ રાષ્ટ્રપતિ નહીં બની શકે.
સુકીએ અબી હાલ બીબીસીમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે 'તે તેમના પક્ષમાંથી કોઇ નેતાની રાષ્ટ્રપ્રમુખ તરીકે નિયુક્તિ કરી તેમને શું કરવું - શું ન કરવું તે અંગે માર્ગદર્શન આપશે.' અહીં બે શક્યતાઓ છે. એક તો એ કે તે સોનિયા ગાંધી અને મહાત્મા ગાંધીની જેમ સત્તા ગ્રહણ કર્યા વિના અબાધિત સત્તા ભોગવતી શખ્સીયત બની જાય. બીજી સંભાવના એવી છે કે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ તેની વાત સાંભળી ન સાંભળી કરી પોતાનું ધાર્યું કરે અને પક્ષમાંથી સુ કી સામે બંડ થાય. લશ્કર ફરી લોકતંત્ર પર તરાપ મારે એવીય શક્યતા ખરી, કિંતુ બહુ જ આછી-પાતળી...
અત્યારે લશ્કર સત્તામાં ન હોવા છતાં ય તેની પાસે મજબૂત સત્તા છે. સંવિધાન પ્રમાણે ઉપલા-નીચલા બંને ગૃહોમાં લશ્કરને ૨૫ ટકા બેઠક બાય ડીફોલ્ટ મળે છે. સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાનની વરણીનો અધિકાર પૂરેપૂરો લશ્કરના ખીસામાં છે. બંધારણમાં ફેરફાર કરવા માટે બંને સદનોમાં ૭૫ ટકા બહુમતીની જરૃર પડે, જે લશ્કરના ટેકા વિના અસંભવ છે.
ગરીબી બેકારી જેવા પ્રશ્નોની સાથોસાથ લાવાની જેમ સળગતો મુદ્દો એ છે કે બાર લાખ રોહીંગ્યા મુસ્લીમો પંદર પેઢીથી મ્યાનમારમાં રહેતા હોવા છતાં તેમનું નાગરીકત્વ નકારવામાં આવી રહ્યું છે. હિંસાને કારણે લાખો મુસ્લીમો હિજરત કરી ગયા છે. અને હજારો નિરાશ્રિતો ઉપર આભ નીચે દરિયો જેવી હાલતમાં બોટમાં જીવી રહ્યા છે.
ચૂંટણી પહેલા ચૂપ રહેલી માનવતાવાદી સુ કી તેમની સાથે ન્યાય કરે એવી આશા આ નિરાધારો રાખી રહ્યા છે. તો બીજી બાજુ સૈન્ય આ મુદ્દે ફરી પાછો ક્યાંક બળવો કરીને સત્તા ન ઉથલાવી દે એવો પણ ભય છે.
 
- કુલદીપ કારિયા
 
વૈશ્વિક હાઇલાઇટ્સ...
 
* અમેરિકામાં મિસિઝ બેટી યુ નામની વૃદ્ધાને એન્ગોરા જાતિના સૌથી લાંબા રૃછાવાળા સસલા ઉછેરવાનો શોખ છે. તેના ઘરે હાલ ૫૦ સસલા છે. વિશ્વમાં સૌથી લાંબા રૃછાવાળા સસલા ધરાવવા બદલ તેનું નામ ગિનેસ બુકમાં નોંધાયું હતું. તેની પાસે રહેલા સસલાના રૃછાની લંબાઇ ૧૪.૩૭ ઇંચ હતી.
* ઇલેરિયા મોલીનારી નામની ૩૭ વર્ષની સન્નારી મોનોફીન પહેરીને પાણીની અંદર અત્યંત ઊંડે તરવા માટે જગવિખ્યાત છે. ઇટાલીની હોટેલ મિલેપિનીમાં વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. તેની ઊંડાઇ ૧૩૮ ફુટ એટલે કે ૧૨ માળના બિલ્ડીંગ જેટલી છે. આ સ્વિમિંગ પૂલ સામાન્ય માણસો માટે નહીં પરંતુ સ્કૂબા ડાઇવિંગમાં રસ ધરાવતા સાહસિકો માટે છે. તાજેતરમાં ઇલેરિયાએ આ સ્વિમિંગ પૂલનું ઉદ્ધાટન કર્યું હતું.
*  ફ્રાન્સમાં એનોનિમસ('એનોનિમસ' નાઉન છે. એટલે તેનું અજ્ઞાાત નહીં થાય.) નામના હેકર્સ ગુ્રપે યુટયુબ પર વિડિયો મૂકી આઇએસઆઇએસ સામે યુદ્ધની ઘોષણા કરી છે. તેમણે ધમકી આપી છે કે તેઓ આઇએસઆઇએસના આતંકવાદીઓ જ્યાં પણ હશે ત્યાં તેમને ખતમ કરી દેશે. સમાજમાં ચળવળ ચલાવતા લોકો જેમ એક્ટિવિસ્ટ તરીકે ઓળખાય છે તેમ ઇન્ટરનેટ પર શંકાસ્પદ વેબસાઇટ્સ હેક કરી ઝૂંબેશ ચલાવતા લોકો 'હેક્ટિવિસ્ટ' તરીકે સંબોંધાય છે.
*  સ્પેનના એક ગામડાંમાં છેલ્લા ૪૦૦ વર્ષથી એક વિચિત્ર પ્રકારનો મહોત્સવ ઉજવા છે. જેનું નામ છે. 'તારો દી જ્યુબિલો' અર્થાત જોય ઓફ બુલ યાને કે આખલા મહોત્સવ... દર વર્ષની જેમ હમણા જ મેડિનાસેલી નામના ગામડાંમાં આ ઉત્સવ ઉજવાયો હતો. તેમાં એક આખલાને રીંગમાં લાવી તેના શિંગડા સળગાવવામાં આવે છે. આખલો દાઝી કે બળી ન જાય એ માટે તેના શરીર પર કીચડ લગાડવામાં આવે છે.
*  ન્યુયોર્કમાં એક રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો હતો. દસ વર્ષનો એક છોકરો સિગારેટ લઇને રસ્તા પર નીકળી પડે છે અને જે પણ રસ્તામાં મળે તેને આ સિગારેટ સળગાવી આપવા વિનંતી કરે છે. આ સમયે મળતા પ્રતિભાવો સામાજિક મૂલ્યોની પારાશીશી છે. કેટલાક લોકો તેને ઠપકો આપે છે જ્યારે અમુક લોકો તેને સિગારેટ સળગાવી આપે છે. આખરે એ કેન્સરગ્રસ્ત વ્યક્તિ તેને ધુમ્રપાન ન કરવા સમજાવે છે.


 

શનિવાર, 24 ઑક્ટોબર, 2015

સંબંધો: યુએસ-ભારત, યુએસ-પાકિસ્તાન

પાકિસ્તાને તેના પરમાણુ શસ્ત્રો પર કાતર મૂકવાની, પ્રવર્તમાન પરમાણુ મથકો આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ લાવવાની અને નો ફર્સ્ટ યુઝ કરાર પર સહી કરવાની જરૃર

૧૯૮૩માં વિયેનામાં ઇન્ટનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઇએઇએ)ની બેઠક મળી હતી. જેમાં ભારતના પરમાણુ પંચના અધ્યક્ષ ડો. રાજા રમન્નાએ આપણું પ્રતિનિધિત્વ કર્યું હતું. (જેવી રીતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે આપણે હૃદયમાં બેસાડયા છે એમ ભારત માટે પરમાણું બોમ્બ બનાવનારા ડો. રાજા રમન્નાને પણ ઘરે-ઘરે યાદ કરાય એ જરૃરી છે.) વિયેનામાં જ એક સાંજે પાકિસ્તાન ન્યુક્લિયર કમિશનના પૂર્વ અધ્યક્ષ અહમદ મુનિર ખાનને પાકિસ્તાનના ભૂતપૂર્વ એમ્બેસેડર અબ્દુલ સત્તાર તરફથી કોડેડ મેસેજ મળ્યો. જેનો અર્થ હતો : 'ભારત પાકિસ્તાનના પરમાણું મથક પર હુમલો કરવાનું છે. ' મુનિર ખાને રાજા રમન્નાને ડિનર માટે આમંત્રિત કર્યા.
સૌજન્ય અનુસાર થોડી વાર સુધી મધમીઠી વાતો ચાલી. ત્યાર પછી ખાને સ્પષ્ટ ધમકી ઉચ્ચારી : 'જો ભારત અમારા પરમાણુ મથક પર હુમલો કરશે તો અમે મુંબઇમાં ભાભા એટમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી) પર અટેક કરીશું.'

રમન્નાએ તરત જ એ વખતના વડા પ્રધાન ઇન્દીરા ગાંધીને જાણ કરી હુમલો અટકાવી દીધો. ત્યાર પછી ખાને સીઆઇએને ખબર આપતા અમેરિકાના ગૃહ વિભાગે ભારતને ધમકી આપી હતી : 'જો ભારત પાકિસ્તાનમાં કંઇ કરશે તો અમેરિકા વળતો જવાબ આપશે.'

એ સમયે જો ભારતે પાકિસ્તાનનું પરમાણું મથક ઉડાવી દીધું હોત તો પાકિસ્તાન પાસે અત્યારે જે પરમાણુ શસ્ત્રોનો ખજાનો છે એ ન હોત. આજે ચીનની કૃપાથી પાકિસ્તાન પાસે ૧૨૦થી વધુ પરમાણુ બોમ્બ છે, જે ભારત કરતા પણ વધારે છે. પાકિસ્તાનનો શસ્ત્રાગાર એ પરોક્ષ રીતે ચીનનો જ શસ્ત્ર ભંડાર કહેવાય છે.

૧૯૭૧ના યુદ્ધ વખતે અમેરિકા ભારત પર હુમલો કરવા માટે નૌસેના મોકલવાનું હતું. એ સમયે રશિયાના પ્રમુખ લિયોનીડ બ્રેઝનેવે નૌકા કાફલો સ્ટેન્ડ ટુ રાખતા નિક્સનની મનની મનમાં રહી ગઈ હતી. દુનિયામાં કશું જ કાયમ નથી. ત્યારે ભારત રશિયા તરફી હતું અને પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં હતું. આજે સમીકરણો બદલાઇ ગયા છે. છેલ્લા ચાર વર્ષમાં વૈશ્વિક ચોકઠામાં ધરખમ ફેરફાર આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં રશિયાનો ફરીથી ઉદય થતા વળી પાછા બે ધુ્રવો રચાઇ રહ્યા છે. ૨૦૧૧માં પાકિસ્તાનની જાણ બહાર અમેરિકાના નેવી સીલ કમાન્ડોએ ઓપરેશન 'નેપ્ચ્યુન સ્પીઅર' હાથ ધરી ઓસામા બીન લાદેનને હણી નાખ્યો એવે ટાણે પાક-યુએસના સંબંધો ઓલ ટાઇમ લો જતા રહ્યા હતા. નેવી સીલ કમાન્ડોનું આગમન પાકિસ્તાની સૈન્યના રડારમાં ઝીલાય નહીં તે માટે તેમણે સ્ટીલ્થ હેલિકોપ્ટર 'બ્લેક હોક'નો ઉપયોગ કર્યો હતો.
આ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ તેમણે તેને ત્યાં જ તોડી પાડયું હતું. પાકિસ્તાને એ હેલિકોપ્ટરનો કાટમાળ અભ્યાસ માટે ચીનને આપ્યો તે એક આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વળાંક હતો.

અમેરિકાએ આતંકીઓ પર કરેલા એક હવાઇ હુમલામાં પાકિસ્તાનના ૨૪ સૈનિકો મરી જતા બંને દેશોના સંબંધો વધુ ખરાબ થયા હતા. અમેરિકાએ પાકિસ્તાનનો સલાલા એરબેઝ ખાલી કરવો પડયો હતો અને પાકિસ્તાને નાટોને અફઘાનિસ્તાન માલ-સામાન પહોંચાડવા માટેનો એક માત્ર રસ્તો બંધ કરી દીધો હતો. ઘણા સમય બાદ તત્કાલીન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને માફી માગ્યા પછી ઠેઠ પાકિસ્તાને એ માર્ગ ફરીથી મોકળો કર્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શાંતિ વાર્તાલાપ પણ એમ જ લંગડાતો-ખોડંગાતો રહ્યો છે. ૨૦૦૮ પછી બંને રાષ્ટ્રો વચ્ચે અવિશ્વાસનો ટેકરો હિમાલયથી પણ ઊંચા પર્વતમાં ફેરવાઇ ગયો છે. આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે નવાઝ શરીફ અમેરિકા યાત્રા પર જવા માટે બેગ પેકિંગ કરી રહ્યા હશે અને છપાશે ત્યારે પરત પણ આવી ગયા હશે. 'વોશિંગ્ટન પોસ્ટ'ઔમાં ડેવિડ ઇન્ગેટ્સ નામના કોલમિસ્ટે લખ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે ભારત જેવો જ પરમાણું કરાર કરી શકે છે. અહેવાલ પ્રકાશિત થયા પછી ભારત અને વિશ્વ મિડિયામાં ઘણા પડઘા પડયા, મત-મતાંતર થયા અને ચર્ચાઓ ચાલી, વિરોધ થયો. આખરે વાઇટ હાઉસે ચોખવટ પાડી કે તે પાકિસ્તાન સાથે નાગરિક પરમાણું કરાર કરવાનું નથી.

બે રાજ્યના વડા વચ્ચેની વાતચીતનું ગ્રાઉન્ડ વધુ મજબૂત અને મુદ્દાસર બને એ માટે કેટલીક વખત જાણી જોઇને મિડિયામાં કેટલાક અસંગત ન્યૂઝ રાજસત્તા દ્વારા જ ફેલાવવામાં આવતા હોય છે. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકટ થયેલો રીપોર્ટ પણ આવો જ કોઇક પ્રયત્ન હોય એવું લાગ્યું.

અત્યારે વિશ્વ જે રીતે વહેચાયેલું છે એ જોતા અમેરિકા માટે ભારતનું ભૌગોલિક રાજકીય મહત્ત્વ ઘણું ઝાઝું છે. આથી અમેરિકા પાકિસ્તાનને પરમાણુ ક્ષેત્રે મજબૂતી બક્ષે એ વાતમાં દમ નથી. થોડા દિવસો પહેલા જ મલબારના અખાતમાં ભારત-પાકિસ્તાન-જપાન વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત હાથ ધરવામાં આવી હતી. ચીનને દેખાડવા માટે જ તો...

પાકિસ્તાનના પરમાણું કાર્યક્રમ પર અંકુશ મૂકવામાં આવે એ ખુબ જ આવશ્યક છે. પાકિસ્તાન તાલિબાન છાશવારે હુમલા કરતા રહે છે અને અફઘાન તાલિબાન તો પોતાનું ઘર સમજીને જ આવરો-જાવરો રાખે છે. એવામાં જો પરમાણુ શસ્ત્રો અથવા નાના-મોટા કોઇપણ અસ્ત્રો-શસ્ત્રો - હથિયારો આતંકીઓના હાથમાં જતા રહે તો ભારત સહિત અનેક દેશો માટે ભયસૂચક બની શકે છે.

પાકિસ્તાનના વિજ્ઞાની એ. ક્યુ. ખાન લિબિયા, ઉત્તર કોરિયા અને ઇરાનને પરમાણુ હથિયારો વિકસાવવા માટેના સાધનો કાળા બજારમાં વેચતા હતા. આ પ્રકારના ખુફિયા કારનામા પરમાણુ શસ્ત્રોની બાબતમાં પાકિસ્તાનમાં ચાલે એ હવે કોઇ હિસાબે પોસાઇ  શકે નહીં. પાકને પરમાણુ પરીક્ષણ કરતું અટકાવવા અમેરિકા શરીફ પાસે સીટીબીટી (કોમ્પ્રિહેન્સીવ ટેસ્ટ બીન ટ્રીટ) અને યુરેનિયમ જેવા તત્ત્વોનું સ્ટોરેજ ઘટાડવા ફિસાઇલ મટીરીયલ કટ ઓફ ટ્રીટી( એફએમસીટી) પર સહી લેવડાવે જરૃરી છે. નો ફર્સ્ટ યુઝ ટ્રીટી પર પણ...

ભારતે અમેરિકા સાથે કરેલા પરમાણુ કરાર અંતર્ગત ભારતે તેના નાગરિક પરમાણુ મથકો અને લશ્કરી પરમાણુ કેન્દ્રો છુટાં પાડયાં છે. અને સિવિલ ન્યુક્લિઅર ફેસિલિટિઝ આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ હેઠળ છે. શું પાકિસ્તાન આવી શરતો માટે તૈયાર થઇ શકે ખરા ? કરાચીમાં ચીન ૯.૬ અબજ ડોલર (અંદાજે રૃ. ૬૦૦ અબજ)ના ખર્ચે પરમાણુ શક્તિ સંકુલ (ન્યુક્લિઅર પાવર કોમ્પ્લેક્સ) બનાવી રહ્યું છે. નવાઝ શરીફ પોતે તેના શિલાન્યાસમાં હાજર રહ્યા હતા. આ મુદ્દો ધ્યાનબારો કઇ રીતે રહે...?

મોદીના વાદે વાદે નવાઝ શરીફે પણ વિકાસનું મહોરું પહેર્યું છે એ પાકિસ્તાનનો અસલ ચહેરો બને એમ ભારત પણ ઇચ્છે છે. પરંતુ અત્યારે તો પાકિસ્તાનનો ખરો ચહેરો લશ્કરી વડા રાહીલ શરીફ છે. જેઓ પરમાણુ શસ્ત્રાગાર પર કાતર ફેરવવાની કે તેને આંતરરાષ્ટ્રીય નજર તળે મૂકવાની શરાફત દેખાડી શકે એમ નથી.

વૈશ્વિક હાઇલાઇટ્સ...
- એબિગલી વિલ્સન અને ડેવિડ જેકીન્સ નામનું દંપતી તેના ત્રણ વર્ષના બાળક જેકબ જેકિન્સ સાથે પીઝા પાર્લરમાં જમવા ગયું હતું. તેઓ ડીનર કરી રહ્યા હતા ત્યારે પીઝામાં રહેલી દ્રાક્ષ બાળકની શ્વાસ નળીમાં ફસાઇ જતા શ્વાસ રૃંધાવાને લીધે તે કોમામાં સરી ગયું અને થોડા કલાકો પછી મૃત્યુ પામ્યું હતું. આ ઘટના વિશે જાણ થયા બાદ સોશિયલ મિડિયા પર અપીલ કરાતા હજારો લોકોએ સાંજે સાત વાગ્યે પીળા રંગના હજારો ફુગ્ગા આકાશમાં વહેતા મૂકી શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.

- વેનેઝુએલાના જેસન રોડ્રીગ્વીઝે જગતના સૌથી મોટા પંજા ધરાવવા બદલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. આને ખરેખર વિરાટ પગલું કહી શકાય. આ યુવાનના પેગડામાં પગ નાખવાનું અસંભવ છે. ૭ ફુટ ૩ ઇંચના રોડ્રીગના જમણા પગના પંજાની લંબાઇ ૪૦.૧ સેમી એટલે કે ૧ ફુટ અને ૩.૭ ઇંચ છે. ડાબા પગના તળિયાની લંબાઇ ૩૭.૬ સેમી એટલે કે એક ફુટ ૩૯.૬ સેમી એલે કે ૧ ફુટ ૩.૫૯ ઇંચ છે. તેને ૩૨ નંબરના બૂટ પહેરવા પડે છે.

- પશ્ચિમના કેટલાક અલ્પમતિ ધનાઢ્યો આજે પણ નિર્દોષ પ્રાણીઓના શિકારનો રજવાડી અને તામસિક શોખ ધરાવે છે. થોડા સમય પહેલા અમેરિકાના એક ડેન્ટીસ્ટે ઝિમ્બાબ્વેમાં સેસિલ નામના સાવજનો શિકાર કરતા આખા વિશ્વમાં હોબાળો મચ્યો હતો. આ ઘટના હજી તાજી જ છે ત્યાં આફ્રિકાના સૌથી મોટા હાથીનો શિકાર થયો છે. જર્મનીના એક પ્રવાસીએ ૬૦,૦૦૦ ડોલર રૃ. ૪૦ લાખ ચૂકવીને કદાવર હાથીનો શિકાર કર્યો છે. જો કે અગાઉની જેમ આ વખતે પણ હત્યારો બહુ જ સરળતાથી બચી નીકળ્યો છે. આ હાથીના દાંત એટલા મોટા હતા કે તે જમીન પર ઘસાતા હતા. તેના દંતનુ વજન ૬૦ કિલો હતું.

- અમેરિકામાં થોમસ ડી પેન્ટ્રીલો નામના યુવાને છેલ્લા બે વર્ષમાં ૧૬૦૦ કલાકની મહેનત કરીને કાલ્પનિક પાત્ર હલ્કનુ કોસ્ચ્યુમ તૈયાર કર્યું છે. આ કોસ્ચ્યુમની ઊંચાઇ ૯.૫ ફુટ અને પહોળાઇ ૬.૬ ફુટ છે. તે ૪૪ યાને કે સાડા ત્રણ ફુટ જાડું છે અને તેનું વજન ૪૫ કિલો છે. તે પહેરવામાં જ ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે. થોમસ છેલ્લા ૨૧ વર્ષથી કોસ્ચ્યુમ્સ બનાવવાનુ કામ કરે છે.


શુક્રવાર, 23 ઑક્ટોબર, 2015

જાગતે રહો


અરાઉન્ડ ધ વર્લ્ડ - કુલદીપ કારિયા

એવું તે શું થયું કે નેપાળમાં માઓવાદીઓ બળવાખોરી પ્રવૃત્તિ છોડી દઇને લોકતંત્રની મુખ્યા ધારામાં આવી ગયા એ અભ્યાસનો વિષય છે
સમુદ્રથી ત્રણે બાજુ ઘેરાવાથી ભારતને જેટલો ફાયદો છે એટલું જ નુકસાન ત્રણે બાજુએ ચીનાથી ઘેરાવામાં છે


હજારો વર્ષો પહેલા 'ને' નામના ઋષિ હિમાલયમાંથી આવીને બાગમતી નદીના કિનારે સ્થાયી થયા હતા. આ ભૂમિ પર તેમણે  કઠોર તપ કર્યું અને વખત જતા એ જગ્યા 'નેપાળ' નામે જાણીતી બની. 'ને' એટલે ને નામના ઋષિ અને 'પાળ' એટલે રક્ષણ કરવું. રક્ષક અને સંત તરીકેની તેમની ગાથા પશુપતિ પુરાણમાં પણ ગાવામાં આવી છે. ઇસ પૂર્વે ત્રીજી સદીમાં થઇ ગયેલા ચાણક્યે લખેલ અર્થશાસ્ત્રમાં પણ નેપાળનો ઉલ્લેખ કરેલો છે. સ્કંદ પુરાણમાં નેપાળ મહાત્મ્ય શીર્ષકવાળું એક આખું પ્રકરણ છે, જેમાં નેપાળના સૌંદર્ય અને શક્તિનો મહિમા વર્ણવાયો છે. મિથિલા નરેશ જનક અને લુમ્બિનિના રાજકુમાર સિદ્ધાર્થની કથા આપણા ઘરોમાં પેઢીઓથી કંઠોપકંઠ વહેતી આવી છે. તિબેટ આ દેશને 'નેપા' કહે છે. તિબ્બતી ભાષામાં 'ને' એટલે મધ્યમાં આવેલો અને 'પા' એટલે દેશ. ભારત અને તિબેટ વચ્ચે આવેલો દેશ એટલે નેપા. જેનો એક અર્થ લેન્ડલોક્ડ અથવા બફર રાજ્ય થાય.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનેઝીર ભુટ્ટોએ થોડા વર્ષો પહેલા એક પત્રકાર સાથેની વાતચીત દરમિયાન ભાખ્યું હતું કે નેપાળ અફઘાનિસ્તાનના રસ્તે જઇ રહ્યું છે. દિવંગત બેનેઝીરના શબ્દો સાચા હોય એવું લાગી રહ્યું છે. મીઠાઇ ખાધા પછી ચ્હાની મીઠાશ અનુભવાતી નથી. તેમ હિન્દુત્વના રંગે રંગાયેલી એનડીએ સરકાર નેપાળનું ભૌગોલિક-રાજકીય મહત્ત્વ સમજવાને બદલે તેના પર 'હિન્દુ રાષ્ટ્ર'નું લેબલ જળવાયેલું રહે તેની આંધળી કવાયત કરી રહી છે. ચીન તિબેટને ગળી ગયું ત્યારે ભારતે નેપાળને અભય વચન આપ્યું હતું. આજે પરિસ્થિતિ ૧૮૦ ડીગ્રીએ આવીને ઊભી છે. ભારતે નેપાળનું નાક દબાવ્યું છે અને ચીન તેને મ્હોં વડે શ્વાસ લેવડાવી રહ્યું છે.
૧૯૮૯માં પાકિસ્તાન ખાતે સાર્ક શિખર સંમેલનમાં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ નેપાળના રાજા બિરેન્દ્રને  બ્રેકફાસ્ટ માટે નિમંત્રણ આપ્યું હતું ત્યારે બિરેન્દ્રે નકાર ભણી દેતા રાજીવે નેપાળ અને ભારત વચ્ચે ૨૨માંથી ૨૦ એન્ટ્રી પોઇન્ટ પર બંધ કરી દીધા હતા કિંતુ હાલ આવું કરવું બુદ્ધિગમ્ય નથી. એ વખતે નેપાળમાં રાજાશાહી હતી અને અત્યારે લોકશાહીનું પહેલું પાનું લખાઈ ચૂક્યું છે અને હવે તેની પાસે ખોળામાં બેસવા માટે 'ડ્રેગન' વિકલ્પ છે.

નેપાળની ૮૨ ટકા પ્રજા હિન્દુ છે અને બંધારણીય સભામાં ૮૫ ટકા સદસ્યોએ મળીને નેપાળને ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર જાહેર કર્યું છે, જેમાં ચંચુપાત કરવો એ ધર્મપ્રેમને રાષ્ટ્રપ્રેમ કરતા પણ વધારે મૂલવવાની મૂર્ખામી છે. બંધારણમાં અધિકાર મામલે મધેસી અને થારુ જન સમુદાયના લોકો દેખાવ કરે તો તેમ કરવાનો તેમને બેશક હક છે અને વિરોધીઓનો પ્રશ્ન ઉકેલવાની જવાબદારી નેપાળની નેતાગીરીના ખભે આવે એ જ લોકતંત્રની દ્રષ્ટિએ હિતાવહ છે.

મધેસી સમુદાયમાં મૈથીલી, ભોજપુરી, અવધી, હિન્દી અને ઉર્દૂભાષીઓનો સમાવેશ થાય છે. થારુ જનસમુદાય ભારતમાં બિહારમાં પણ વસવાટ કરે છે. ધર્મેથી ભલે હિન્દુ હોય પરંતુ પહાડ પર રહેતા લિંબુ, ખાંબુ, મગર, ગુંરાંગ અને તવાંગ સમુદાયો મોંગોલિયન મૂળના છે. જેનો અંદાજ ભારતમાં નોકરી કરતા ૫૬ લાખ નેપાળીઓના નાક-નક્શા જોતા પણ આવી જાય છે. ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસની આંખે નેપાળ આપણી સાથે જોડાયેલું છે એ ખરું પરંતુ નેપાળ એટલે માત્ર ભારત નથી. ત્યાં મોંગોલિયન વંશીઓ બહુમતિમાં છે.

પહાડી વિસ્તારમાં વસતા નેપાળી સમુદાયોમાં હિન્દુ ધર્મના બહુન અને છેત્રી (બ્રાહ્મણ અને ક્ષત્રિય) જ્ઞાતિના લોકો એલિટ વર્ગમાં આવે છે. રાજનીતિમાં પહેલેથી તેમનુ પ્રભુત્વ રહ્યું છે. મધેસી અને થારુ આમ જોઇએ તો પછાત વર્ગમાં છે અને તેમનું નેપાળમાં સૈકાઓથી શોષણ થતું આવ્યું છે. મધેસી જાતિના લોકોને ૧૯૫૦માં કાઠમાંડુ આવવા માટે પણ સ્પેશ્યલ પરમીટ મેળવવી પડતી હતી.
છેક ૧૯૯૦માં તેમને નાગરિકત્વ આપવામાં આવ્યું. આજેય તેમને વિદેશી મૂળના કહીને સત્તાથી આઘા રાખવામાં આવે છે. અલબત્ત આ ખોટું છે, પણ જનતાતંત્ર બનવા માટે પા...પા... પગલી કરતા નેપાળને આ સમસ્યા જાતે જ હલ કરવા દેવી પડે. માનો કે ભારતના હસ્તક્ષેપથી મધેસી અને થારુ આવામને સંવિધાનમાં જોઇતા તમામ હક આપી દેવામાં આવે તો પણ બાબા આમ્બેડકરનું અવતરણ યાદ કરવું પડે, 'જ્યાં સુધી સમાજ ન ઇચ્છે ત્યાં સુધી કોઇપણ કાયદો પછાત વર્ગને આગળ લાવી શકતો નથી.'

રાજાશાહીના અસ્તાચળે નેપાળમાં માઓવાદે માથુ ઊંચક્યું હતું અને ૨૦૦૬માં તેનો અંત આવતા નેપાળે લોકશાહી દેશ બનવા કૂચ કરી એ જ આપણા માટે મોટી વાત છે. માઓવાદીઓ આજે બંધારણીય સભામાં સદસ્ય બનીને લોકતાંત્રીક રાજનીતિમાં આવી ગયા એ નેપાળની એક સૌથી મોટી સિદ્ધિ છે. એવું તે શું થયું કે માઓવાદીઓ બંડખોરી મૂકી અને રાજનીતિની મુખ્યધારા સાથે જોડાઇ ગયા એ વિશે મોટાભાઇ તરીકેનો અહમ એકનોરો મૂકીને ભારતે અભ્યાસ કરવો જોઇએ, જેથી ભારતમાં માઓવાદી બળવાખોરી નાબૂદ કરી શકાય.

ભારતમાતાના ચરણ પાસે બેઠેલું શ્રીલંકા ભારતની વિદેશનીતિની ક્ષતિઓને લીધે આજે ચીન તરફ સરકી ગયું છે. પાકિસ્તાન તો પહેલેથી જ ભારત વિરોધી હતું એવામાં નેપાળ સાથેનો સંબંધ ગુમાવવો ભારતને પરવડે તેમ નથી. ત્રણે કોર સમુદ્રથી ઘેરાયેલા હોવાને કારણે ભારતને જેટલો ફાયદો થયો છે એટલું જ નુકસાન ત્રણ બાજુ ચીનની ઘેરાવાને લીધે થઇ શકે છે. કે.પી.એસ. ઓલી નવા વડા પ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. આશા રાખીએ કે ભારત-નેપાળ વચ્ચેનો ખટરાગ ભૂલાઇ જશે અને ડાંગે માર્યા પાણી નોખા નહીં થાય. ૭ આરસીઆર અથવા પીએમઓમાં બેસીને મોડી રાત્રે વડા પ્રધાન મોદી અને વિદેશ સચિવ જયશંકર નેપાળ નીતિ ચર્ચતા હોય ત્યારે સડક પરથી 'જાગતે રહો'ની બૂમ સંભળાય એ આવશ્યક છે.


વૈશ્વિક હાઇલાઇટ્સ...
અવકાશયાત્રીઓને તો ક્યારેક ને ક્યારેક અવકાશમાં આંટો મારવાની તક મળવાની છે પણ આપણા જેવા સામાન્ય માણસોનો વારો ક્યારે આવે ? આ બાબતને ધ્યાનમાં રાખીને સિંગાપોરથી માંડીને સ્વિત્ઝરલેન્ડ સુધી વિશ્વના અનેક શહેરોમાં એકથી એક હોટલો અવકાશની થીમ પર બનાવવામાં આવી છે. ઝ્યુરીકમાં કામીહા ગ્રાન્ડ નામની હોટલમાં ઇન્ટનેશનલ સ્પેસ સ્ટેશનમાં હોય એવો સ્પેસ સ્યુટ બનાવવામાં આવ્યો છે. જર્મન કલાકાર માઇકલ નજ્જર દ્વારા તેની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરાવતો પલંગ છે. અવકાશ જમીન પર...

- સાઉથ આફ્રિકાના ગોટ ટેલેન્ટ શોમાં માત્ર ત્રણ વર્ષના બાળકે ડીજે તરીકે ઓડીશન આપ્યું હતું. તેનું પર્ફોર્મન્સ સાંભળીને બધા જ દંગ થઇ ગયા હતા અને નિર્ણાયકોએ ગોલ્ડન બઝર દબાવીને તેને સેમિફાઇલમાં એન્ટ્રી આપી દીધી હતી. ડીજે આર્ક જુનિયર ફક્ત એક જ વર્ષનો હતો ત્યારે તેને ડી જીંગ નામની એપ્લિકેશનનો પરિચય કરાવવામાં આવતા તેને ડીજે મ્યુુઝિકમાં ખૂબ જ રસ પડયો હતો.

- ડેન્માર્કમાં બે જોડકા ભાઇઓએ દુનિયાનો સૌથી મૂર્ખામી ભરેલો સ્ટન્ટ કર્યો હતો. તેઓ વિશ્વના સૌથી તીખા ૧૩૦ મરચાનો જ્યુસ પી ગયા હતા અને એ પણ માત્ર ૭૫ ડોલરની શરત જીતવા માટે... કેરોલીના રીપર વિશ્વનું સૌથી તીખામાં તીખું મરચું છે. તેની તીખાશનું માપ ૨૨ લાખ સ્કોવિલી છે. ૧૯૧૨માં વિલ્બર સ્કોવિલીએ આ એકમ શોધી કાઢ્યો હતો. સામાન્ય મરચાની તીખાશ ૫૦૦૦ સ્કોવીલીની હોય છે. જ્યારે આ બંને ભાઇઓએ જે મરચું ખાધુ તેની તીખાશ ૨૨ લાખ સ્કોવિલી હતી.

- સાહસ એ તમામ સદ્દગુણોનો રાજા છે. રશિયાના એક યુવાને આ કહેવતને સાર્થક કરી બતાવી છે. એલેક્સી કુઝીન નામના યુવાને ૧૫૬ મીટર ઊંચી ઇમારત પરથી માત્ર એક પાઇપ પર ચત્તાપાટ સુઇ બતાવ્યું હતું. એક તો ઊંચાઇનો ભય અને તેમાંય આટલી પાતળી પાઇપ પર શરીરનું સંતુલન જાળવવાનું કામ ખૂબજ અઘરું છે. આવા સાહસવીરો માટે જ અંગ્રેજીમાં 'ડેરડેવિલ' શબ્દ વપરાય છે.

- થોડા દિવસો પહેલા મેટ ડેમોનની ફિલ્મ આવી હતી, જેનું નામ ધતું ધ માર્શિયન... આ સાયન્સ ફિક્શનમાં માણસને મંગળ પર પહોંચતો દેખાડવામાં આવ્યો છે, પરંતુ આજનું ફિક્શન આવતીકાલની હકીકત બને એ ન્યાયે નાસાએ માણસને મંગળ ઉપર સ્થાયી કરવાનું સપનું સાકાર કરવાની પણ એષણા કરી છે. આ માટે નાસાએ પ્રોજેક્ટ શરૃ કર્યો છે જેનું નામ 'નાસાની મંગળયાત્રાઃ અવકાશ સંશોધનનો નવો જન્મ આપનારું પગલું'

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

ચીન - જપાન વચ્ચે ડખોઃ પાણી પર લીટી ક્યાં?

ડ્રેગન 'જેની લાઠી એનો દરિયો' એવો એટીટયુડ દેખાડી રહ્યું છેઃ જપાનને અંધારામાં રાખી ચીને 'ઇસ્ટ ચાઇના સી'માં ૧૬ ગેસ પ્લેટફોર્મ શરૃ કર્યા જેનો ઉપયોગ જતે દહાડે યુદ્ધ માટે થઇ શકેઃ સૈકા જૂના જળસીમા વિવાદના મોજા ઉછળ્યા


આ  દુનિયા એક દ્વંદ્વયુદ્ધ છે. ભારત-પાકિસ્તાન,ચીન - જપાન, અમેરિકા-રશિયા, ઉત્તર કોરિયા- દક્ષિણ કોરીયા, સુન્ની રાષ્ટ્રો-શિયા રાષ્ટ્રો આ બધા એકબીજા સાથે ગમે ત્યારે કોઇને કોઇ મુદ્દે બાખડતા જ રહે છે.
થોડા સમયથી પાણીમાં ગરક થઇ ગયેલો ચીન-જપાન વચ્ચેનો ઇસ્ટ ચાઇના સીનો વિવાદ ફરી ઇમારત જેવા ઊંચા મોજાની જેમ ઉછળા મારી રહ્યો છે. 'યે દુશ્મની હમ નહીં તોડેંગે' એવું ગીત ગાતા ચીન-જપાન વિશે વાત કરીએ ત્યારે 'યે સો સાલ પહેલે કી બાત હૈ' એવો બોલિવુડ સ્ટાઇલ તકીયા કલામ ઉચ્ચારીને ફ્લેશબેકમાં ઠેકડો મારવો પડે...
૧૮૯૫માં થયેલા યુદ્ધમાં જપાને ચીનને પરાસ્ત કરી દીધું હતું અને તાઇવાન પડાવી લીધું હતું. બાદમાં રશિયા અને બીજા રાષ્ટ્રોના દબાણથી આ પ્રદેશ પાછો આપવો પડયો. ઠેઠ ત્યારથી જપાન અને  ચીન વચ્ચે ઇસ્ટ ચાઇના સમુદ્રમાં જળસીમા વિખવાદ છે.
 બંને દેશો હજી સુધી આ દરિયા પર સરહદ ખેંચવા માટે સહમતી સાધી શક્યા નથી અને હાલ ભરતીના નીરની જેમ તનાવ ઘૂઘવી રહ્યો છે.
જપાન કેબિનેટના મુખ્ય સચિવ યોશિહિદે સુબાએ ૨૨મી જુલાઇએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પર્દાફાશ કર્યો કે ઇસ્ટ ચાઇના સમુદ્રમાં ચીન જુન ૨૦૧૩થી જપાનને સાથે રાખ્યા વિના ગેસ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે.
વાત વધુ મજબૂતીથી મૂકવા ફોટોગ્રાફ્સ સાથેના પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ પંથકમાં ચીનની લશ્કરી હીલચાલ પણ વધી રહી છે. તેના હેલિકોપ્ટર અને જહાજો અવાર-નવાર અહીં આંટાફેરા કરતા રહે છે. દક્ષિણ ચીન સમુદ્રમાં પાણી આઘુ ધકેલીને જમીન રીક્લેમ કરી છે એ રીતે પૂર્વ ચીન સમુદ્રમાં ૧૬ જગ્યાએ ગેસ પ્લેટફોર્મ ઊભા કર્યા છે.
સાઉથ ચાઇના અને ઇસ્ટ ચાઇના સમુદ્રની માલિકી મામલે બાપ-દાદાના વખતથી બેય રાષ્ટ્રો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.
 છેલ્લે ૨૦૦૮માં બંને દેશો વચ્ચે વાર્તાલાપમાં એવી સમજૂતી થઇ હતી કે ઇસ્ટ ચાઇનાના સાગરમાં બેઉ સાથે મળીને કુદરતી સ્ત્રોતો વિકસાવશે. કિંતુ ચીને અંચઇ કરીને એકલા-એકલા કામ શરૃ કરી દીધું.
જપાને દહેશત વ્યક્ત કરી છે કે આ ગેસ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં રડાર સ્થાપીને ચીન હેલિકોપ્ટર તથા ડ્રોન ઊડાવી શકે છે. લશ્કરી ઉપયોગ ખતરો કા ખિલાડી સાબિત થાય એમ હોવાથી જપાને ચુંબક બતાવી સમગ્ર જગતની નજર આ તરફ ખેંચી છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને નિર્જન ટાપુઓ પર યુદ્ધ જહાજો લાંગરી શકાય, હેલિકોપ્ટર લેન્ડ કરી શકાય એવી વ્યવસ્થાઓ ઊભી કરી જ છે. આથી ઇસ્ટ ચાઇના સીમાં પણ જતે દહાડે આવા પ્રકારની ગોઠવણ ન થાય એ માનવા તૈયાર ન હોય તો આંતરરાષ્ટ્રીય સમુદાયો ખાંડ ખાઇ રહ્યા છે.
૧૯૭૦માં યુએસ આ મુદ્દે જપાનની પડખે ઊભું રહ્યું હતું. પરંતુ અત્યારના હાલાત અલગ છે. તે સળગતા હાથમાં લેવા માગતું નથી. અમેરિકાનો ભય ન હોવાથી ચીન વધુને વધુ ઉધામા કરી રહ્યું છે. ગેસ પ્લેટફોર્મ ઇક્વિડિસ્ટન્સ રેખાથી ચીન તરફ હોવાથી વધુ કંઇ કહી શકાય એમ નથી એવો એક મત છે, પરંતુ જ્યારે જપાને તેની તરફના દરિાયમાં કોઇ પ્રવૃત્તિ કરી હોય ત્યારે ચીને પણ ગામ ગજવ્યું છે. યુનાગુમી ટાપુ પર હિલચાલ આરંભી એ વખતે પણ તે તરત જ ઊંચાનીચું થયું હતું. જપાનને એવીય બીક છે કે ચીન એના વિસ્તારમાં સારકામ કરીને જપાનના દરિયાનો તેલ અને ગેસ પણ ખેંચી શકે છે. થોડા સમય પહેલા ચાઇનીઝ મછવારાઓની બોટ જપાનના ઓગાસોઆટા ટાપુ પર જતી ચડી હતી. જેવી રીતે પાકિસ્તાની સૈનિકો લદ્દાખમાં ઘેરો ઘાલે છે એમ. બંને વચ્ચે ટાટીયાખેંચ થતી રહે છે.
અને પાકિસ્તાનની જેમ ચીન પણ અવળચંડાઇમાં અવ્વલ છે. તે તેના બધા જ પડોશીઓની જગ્યા દબાવવાના પેતરા કરતું રહે છે. ચીનની દબંગગીરીથી જપાનની જનતામાં પણ અશાંતી અને અસંતોષ જોવા મળી રહ્યાં છે.
જપાન માગણી કરી રહ્યું છે કે ચીન તાત્કાલીક આ સોળેસોળ ગેસ પ્લેટફોર્મ બંધ કરી દે, પરંતુ વિશ્વ રાજનીતિમાં પોતાને સારી રીતે સ્થાપી ચૂકેલા ચીને તેમ કરવાની ઘસીને ના કહી દીધી છે.
પ્રથમ સપ્ટેમ્બરે બીજા વિશ્વયુદ્ધના આરંભ અને બીજીએ સમાપનની સાલગીરહ છે. આ તકે જપાન ચીનનું વધુ નાક દબાવી તેને અટકાવવા પ્રયત્ન કરે એ અપેક્ષિત છે. આ ઉપરાંત અસિઅનમાં પણ ગુહાર લગાવી છે.
ગત ઓક્ટોબરમાં મલાબાર નેવલ એક્સરસાઇઝમાં આપણે જપાનને તેડાવ્યું હતું. મોદી જપાન ગયા ત્યારે તેમણે ચીનની વિસ્તારવાદી નીતિ વિરૃદ્ધ અબે સમક્ષ વાત છેડી હતી. ભારત-જપાન બંને ચીનની વિસ્તારવાદી સતામણીનો ભોગ બનેલા છે. એવામાં ઇન્ડીયા જપાનના પક્ષે જ હોય એમાં બે મત નથી.
૧૯૫૦-૬૦માં એશિયામાં જપાનના ઘણા શત્રુ હતા, પણ સાયન્સ અને ટેકનોલોજીની મદદથી રોકેટવેગે વિકાસ સાધીને તથા નરમ - સત્તા અખત્યાર કરીને તેણે ફિલિપાઇન્સ, વિયેતનામ અને બીજા દેશો સાથે ઘનિષ્ઠ મૈત્રી કેળળી લીધી. જ્યારે ચીન આજથી તારીખે પણ યુદ્ધખોર માનસનું જણાય છે. આથી વિશ્વએ આ વિશે વિચારવું જોઇએ.
કુલદીપ કારિયા

ચીનનો હુંકાર 'ડણક' ન બની શક્યો

આર્થિક-આંતરિક ફટકા ખાતું પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇના સૈનિકો ઘટાડી રહ્યું છે, પણ યુદ્ધક્ષમતા વધારી રહ્યું છે ઃ અમેરિકા-જપાન સામે ડરીને બાવડાં ફૂલાવ્યાં

ચેરમેન માઓ સાત વર્ષના હતા ત્યારની આ વાત છે. માઓની માતા વેન કિમેઇ અત્યંત બિમાર પડી ગઇ હતી. તે પથારીમાંથી ઊભી પણ થઇ શકે તેમ નહોતી. તેણે એક સુંદર બગીચો બનાવ્યો હતો. વેન રોજ આ બાગની જાતે સાર-સંભાળ લેતી હતી, પરંતુ પથારીવશ હોવાને લીધે તે એ સમયે તેની માવજત કરી શકતી નહોતી.
આથી તેને ખૂબજ ચિંતા થતી હતી. નાનકડા માઓએ માની પીડા જોઇને કહ્યું 'મા તું જરાય ચિંતા ન કર. તારા ઉદ્યાનની કાળજી હું લઇશ.' એક મહિના પછી વેન સાજી થઇ. જ્યારે તે બાગમાં ગઇ તો ચીસ પાડી ઉઠી. તેણે જોયું કે બધા જ છોડ કરમાઇ ગયા હતા. બાગ સાવ સૂકાઇ ગયો હતો. નાનકડા માઓને તેણે ખૂબ ઠપકો આપ્યો. 'તું તો કહેતો હતો કે હું કાળજી લઇશ. તંે આ શુ કર્યું?'
માઓ રડવા લગ્યો. રોતા રોતા કહ્યું 'ખબર નહીં કેમ આ છોડ કરમાઇ ગયા. હું તો એક-એક પાંદડાંની કાળજી લેતો હતો. દરેક પાંદડું મારી જાતે મસોતાથી સાફ કરતો હતો. તેના પર પાણીનો છંટકાવ કરતો હતો.'
માઓની વાત સાંભળીને વેન હસી પડી અને વહાલથી તેને બાથમાં લેતા બોલી 'માઓ, તું બિલકુલ પાગલ છે. છોડના પ્રાણ તેના પાંદડાંમાં નહીં, પરંતુ મૂળમાં હોય છે. પાંદડાં પર પાણી છાંટવાથી છોડ ક્યારેય જીવીત નથી રહેતા. જો તેમનું જતન કરવું હોય, તેમને ખીલવવા હોય તો તેના મૂળમાં પાણી રેડવું પડે.'
ચીનના રાષ્ટ્રપતિ માઓત્સે તુંગે આ પ્રસંગ તેમની આત્મકથામાં ટાંક્યો છે. જો કે ચીનના શાસકો આ કથામાંથી જરાય બોધપાઠ લઇ શક્યા નથી. મૂળિયાને પાણી પીવડાવવાને બદલે તેઓ પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇનાને બહારથી મજબૂત બનાવી રહ્યા છે.
તેમને વિકાસના પ્રભાવક આંકડા જોઇએ છે. આ માટે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું જ અપનાવી ખોટા ચિત્રો દોરાવ્યા. જેનો કાન-ફાડ અવાજ થોડા દિવસો પહેલા શેરબજારની ઉંધેકાંધ પછડાટમાં સંભળાયો.
બિજિંગના તિયાનમેન ચોકમાં સૈન્યશક્તિનો દેખાડો કરવા માટે ચીન ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યું હતું. આ માટે આસપાસ માઇલો સુધી ઓફિસો બંધ કરાવી દેવાઇ હતી, કારખાનાને તાળાં મારી દેવા ફરજ પડાઇ હતી. વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. ચીનની વિખ્યાત સોશ્યલ સાઇટ વેઇબો પર જ્યારે લોકો વિરોધ વ્યક્ત કરવા લાગ્યા તો તેમના અકાઉન્ટ ડીલીટ કરી નાખવામાં આવ્યા.
રીમોટ કંટ્રોલનું મ્યુટ બટન દાબીને ચીનની સામ્યવાદી સરકારે જનતાને મૂંગી કરી દીધી છે. તેનો પડઘો પણ આજે નહીં તો કાલે પડશે જ. ચીનમાં મિડિયા, વિપક્ષ અને એલિયન આ ત્રણેય કાલ્પનિકપાત્રો છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાએ મોઢામાં મૂકેલા શબ્દો જ લખતા-બોલતા છાપા-ચેનલોને મિડિયા કઇ રીતે કહી શકાય?
૨૬ વર્ષ પહેલા ચીનમાં લોકશાહીની માગણી કરતા હજારો યુવાનોને તીયાનમેન સ્કવેર ખાતે ઠાર કરી નાખવામાં આવ્યા હતા. ત્રીજી સપ્ટેમ્બરે ચીનના સૈનિકો આ યુવાઓની કબર પર કદમકૂચ કરી રહ્યા હોય એવું લાગતું હતું. સૈનિકોની પરેડ યોજીને શક્તિપ્રદર્શન કરવાની ફેશન પશ્ચિમમાંથી કેદુની નામશેષ થઇ ગઇ છે. કિંતુ એશિયામાં હજી યથાતથ છે. જપાનના વડા પ્રધાન શિન્ઝો અબે જપાનના શાંતિવાદી બંધારણમાં ફેરફાર કરીને સૈન્યશક્તિ વધારવા કવાયત કરી રહ્યા છે. જેની ચીનને અત્યારથી ફડક છે. અમેરિકા પણ જપાન-ભારત સાથે રક્ષા-સંબંધ વધારી રહ્યું છે. એશિયા પેસિફિકમાં અમેરિકાનો સૈન્ય પ્રભાવ વધી રહ્યો હોવાથી જીન પિંગે પુતિનને બગલમાં ઊભા રાખીને હુંકાર કર્યો છે.
આ હુંકારને ડણક કહી શકાય તેમ નથી. ૨૩ લાખની સૈન્યશક્તિમાંથી ત્રણ લાખ  સૈનિકોનો લીરો કાપી નાખવાની જીન પિંગની જાહેરાત તેમણે અમેરિકા-જપાન સામે ફુલાવેલા બાવડાં ઢાકવામાં વિફળ નિવડી છે. ૧૯૭૯માં વિયેતનામ યુદ્ધ પછી ચીન ભૂમિ પર કોઇ દેશ સામે જંગ લડયું નથી. અને હવે યુદ્ધનું સ્વરૃપ બદલાઇ ગયું છે. જમાનો સાઇબર અને સ્પેસ વોરનો છે, જેમાં ચીન અમેરિકાની લગભગ લગોલગ ઊભી શકે એમ છે. તે સૈનિકોની સંખ્યા ઘટાડી રહ્યું છે, પણ સૈન્યશક્તિ વધારી રહ્યું છે. આથી હરખાવા જેવું નથી. ગુડ ન્યૂઝ એ છે કે આર્થિક અને આંતરિક ક્ષેત્રે નબળું પડી રહ્યું હોવાથી આજે નહીં તો કાલે તેની યુદ્ધક્ષમતાને માર પડવાનો છે.
અચરજ પમાડે તેવા વિનાશક શસ્ત્રો અને મિસાઇલો ચીને કોઇપણ વિદેશી મદદ વિના ઘરઆંગણે તૈયાર કર્યા તે ભારત માટે અનુકરણીય છે.
તાઇવાન, હોંગકોંગ અને તિબેટ ચીનથી આઝાદ થવા માગે છે. ચીન તેમનું ગળું પણ રુંધતું આવ્યું છે. જ્યારે સ્પ્રિંગ ઉછળશે ત્યારે આ શસ્ત્રોની ઉપયોગ તેના દેશની અંદર નહીં કરી શકે એ તેનું સૌથી મોટું દુર્ભાગ્ય છે.
ઇસ પૂર્વે ૫૪૪થી ૪૯૬ દરમિયાન ચીનમાં થઇ ગયેલા નીતિકાર સુન ત્ઝુએ યુદ્ધકલા અને સૈન્ય વ્યૂહ વિશે સૌપ્રથમ પુસ્તક લખ્યું હતું. તેમણે આ કિતાબમાં લખ્યું હતું 'જ્યારે નબળા હો ત્યારે શક્તિશાળી દેખાઓ અને શક્તિશાળી હોવ ત્યારે નબળા...' આ સૂત્રનો પૂર્વાર્ધ  ચીનના પ્રવર્તમાન શાસનનો મુદ્રાલેખ બની ગયો છે.
કુલદીપ કારિયા

વૈશ્વિક હાઈલાઈટ્સ...
- પ્રેમની અભિવ્યક્તિમાં હૃદયનું ખાસ મહત્ત્વ હોય છે અને દિલ સદાબહાર જવાન રહેતું હોવાનું કવિઓ તેમની કવિતા લખે છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ ઉલટી છે. અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે માણસના શરીર કરતા હૃદયની ઉંમર ઝડપથી વધે છે. હૃદય પંદર વર્ષ વહેલું ઘરડું થઇ જાય છે. દિલ તો બચ્ચેં હૈ જી કહેવાનું હવે બંધ કરી દેવું જોઇએ.
- બ્રિટનના ૪૦મા શાસક એલિઝાબેથ-૨ નવમી સપ્ટેમ્બરે બ્રિટનમાં સૌથી વધુ શાસન કરનારા સામ્રાજ્ઞાી બન્યા છે. ક્વિન એલિઝાબેથ બીજાના પિતા કિંગ જ્યોર્જ પાંચમાનું મૃત્યુ થતા ૬ ફેબુ્રઆરી ૧૯૫૨ના રોજ તેમણે શાસન સંભાળ્યું હતું. ૯મી સપ્ટેમ્બરે તેમના શાસનને ૬૩ વર્ષ અને સાત મહિના પૂરા થશે. બ્રિટનની લોકશાહીનું આ એક અદ્ભૂત રાજકીય સૌંદર્ય છે.
- લંડનથી વિશ્વની સૌથી મોટી એટલે કે ૪૦,૦૦૦ નોટીકલ માઇલ લાંબી યોટ રેસનો પ્રારંભ થયો છે. તેમાં ૧૨ યોટ પર ૭૦૦ સ્પર્ધકો સવાર થયા છે. આખી પૃથ્વીને ચક્કર લગાવી અંદાજે જુલાઇ ૨૦૧૬ સુધીમાં હોડીઓ ફરી લંડન પહોંચશે. સ્પર્ધામાં મોટાભાગના ખલાસીઓ શિખાઉ સાગરખેડું છે. જોકે સાહસ એ સૌથી મોટી લાયકાત છે.
-સ્થળ ત્યાં જળ એવું તો ઘણી વખત સાંભળ્યું છે, પરંતુ અમેરિકાના એક ફોટોગ્રાફરે સ્થળ ત્યાં વૃક્ષની ભ્રાન્તિ કરાવી હતી. કેલિફોર્નિયાના મોઝાવ રણમાં સૂકાઇ ગયેલા સરોવરનો પટ ફોટોગ્રાફર જેસન ડોટોરોવે વિમાનમાં ૩૦,૦૦૦ ફુટની ઊંચાઇ પરથી કેમેરામાં કેદ કરી લીધો હતો. આ તસવીર અમેરિકાની ફોટોગ્રાફી સ્પર્ધામાં બીજા નંબર પર આવી હતી.
- ચીનના તાઇવાન પ્રાન્તમાં યુવક-યુવતીઓ કપડાંને બદલે પ્લાસ્ટિકની બેગ પહેરીને સેલ્ફી ક્લિક કરી સોશિયલ મિડિયામાં મૂકી રહ્યા છે. સાંભળવામાં આ થોડું વિચિત્ર લાગશે. જોવામાં પણ એટલું જ ઉટપટાંગ છે, પરંતુ આ ટ્રેન્ડ ઊભો થવા પાછળનું એવુ ંકોઇ નક્કર કારણ નથી. મોલ કલ્ચર ફૂલ્યુ-ફાલ્યુ છે એવા જુગમાં તાઇવાનના જુવાનિયાઓ ૭-ઇલેવન સ્ટોરની મોટી પ્લાસ્ટીક બેગ પહેરીને બિંદાસ્ત ફોટોગ્રાફ્સ પડાવે છે. યા જાતે ક્લિક કરે છે. જરા અસભ્ય ગણાતી આ ફેશન આજકાલ ખલબલી મચાવી રહી છે.